તું અને હું એટલે
સ્નેહભરી અખૂટ વાતોનો ખજાનો,
નેહભરી ઉજાગરો રાતોનો મજાનો.
તું અને હું એટલે
હર ક્ષણ સ્નેહથી ભરેલી યાદો,
મૌન છતાં હૈયામાં ઉઠેલી ફરિયાદો.
તું અને હું એટલે
હાથમાં હાથ પરોવી મંડાયેલી ડગર,
સુખ-દુઃખને નીચોવી કપાયેલી સફર.
તું અને હું એટલે
અંતિમ શ્વાસનો સગપણનો હેતુ,
અસીમ વિશ્વાસનો ઘડપણનો સેતુ.
તું અને હું એટલે
ઈશ્વરની દિવ્ય 'વિભૂતિ'નો અણસાર,
'રમેશ'ની ગઝલના શબ્દોનો સાર.